પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

અમદાવાદમાં ૧૨ જૂન,૨૦૨૫ ના રોજ એર ઈન્ડીયા પ્લેન ક્રેશની કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું, આ દુર્ઘટનાની પ્રથમ વરસીએ મુખ્યમંત્રી સહિત વિવિધ નેતાઓએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વ. વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ સ્મરણાંજલિ અર્પણ કરી છે. મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, સ્વ. વિજયભાઈનું સૌમ્ય, સંવેદનશીલ અને સાદગીભર્યું વ્યક્તિત્વ સૌ કોઈ માટે પ્રેરણારૂપ હતું.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની વિકાસયાત્રામાં સ્વ. વિજયભાઈનું પારદર્શક અને નિર્ણાયક નેતૃત્વ હંમેશા યાદ રાખવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે તેમણે સંગઠનને મજબૂત કરવામાં જે કામગીરી કરી હતી, તે સદૈવ સ્મરણીય રહેશે. આ દુઃખદ અવસરે રાજ્યના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રીના જનકલ્યાણ અને વિકાસલક્ષી કાર્યોને યાદ કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું.

બી. જે. મેડિકલ કોલેજ ખાતે આજે સવારે પૂર્વ સ્વ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના દિકરી રાધિકા મિશ્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પિતા અને અન્ય તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રાધિકા મિશ્રાએ માત્ર પુષ્પાંજલિ અર્પણ કરી એટલું જ નહીં, પરંતુ માનવતાના કાર્યો દ્વારા પોતાના પિતાને અંજલિ આપી હતી. તેમણે કોલેજ કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ. સાથે સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.

આ પ્રસંગે ભાવુક થયેલા રાધિકા મિશ્રાએ જણાવ્યું કે, “આજે પપ્પાને અમારી વચ્ચેથી ગયાને એક વર્ષ પૂરું થયું છે, પરંતુ આજે પણ તેઓ લોકોના હૃદયમાં જીવંત છે. લોકો આજે પણ તેમને યાદ કરે છે તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. પપ્પાનું હંમેશા એક જ સપનું હતું કે ગુજરાત અને સમગ્ર ભારત દેશ સર્વાંગી પ્રગતિ અને વિકાસ કરે. તેમના માર્ગદર્શનમાં જે સેવાકીય કાર્યો અને જનકલ્યાણની યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, તેને અમે આગળ ધપાવવા માટે કટિબદ્ધ છીએ.”

રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, રાજ્યે એક મોટું નેતૃત્વ ગુમાવ્યું છે અને તેમની ખોટ હંમેશા સાલશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સી.આર. પાટીલે સ્વ. વિજયભાઈ રૂપાણીના સંગઠન પ્રત્યેના સમર્પણ અને જનકલ્યાણના કાર્યોને યાદ કરી તેમને નમન કર્યા હતા.

જગદીશભાઈ વિશ્વકર્માએ ટ્વવીટમાં લખ્યું કે, સંગઠનને મજબૂત બનાવવામાં અને ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમની સાદગી અને ણને માર્ગદર્શન આપતા રહેશે.

સી.આર. પાટીલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને તેમની પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને લખ્યું કે, સાદગી, સૌજન્ય અને સંગઠન પ્રત્યેની અવિચળ પ્રતિબદ્ધતા તેમના વ્યક્તિત્વની વિશેષ ઓળખ હતી. જાહેર જીવનમાં તેમણે દર્શાવેલી નિષ્ઠા, વિકાસલક્ષી દ્રષ્ટિ અને જનકલ્યાણ માટેનું સમર્પણ ગુજરાતની વિકાસયાત્રામાં સદૈવ સ્મરણીય રહેશે.