પ્રેમી સાથે ભાગેલી યુવતીનો અર્ધનગ્ન હાલતમાં મળ્યો મૃતદેહ, ગુપ્ત ભાગે ઇજાના નિશાન, પ્રેમીની ધરપકડ

રાજકોટ જિલ્લાના કુવાડવા પોલીસ મથક હેઠળ આવતા રફાળા ગામમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામના સરપંચની વાડીમાં આવેલી એક ઓરડીમાંથી વાંકાનેરના તિથવા ગામની યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે યુવતીના પ્રેમીની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના તિથવા ગામની રહેવાસી શરમાં ભુરીયા નામની યુવતી ગત ૧૨ દિવસ પહેલાં પોતાના પ્રેમી બુશા રાઠોડ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. બંને રફાળા ગામના સરપંચની વાડીમાં આવેલી ઓરડીમાં રોકાયા હતા. જોકે, અચાનક આ પ્રેમપ્રકરણનો લોહિયાળ અંત આવ્યો છે. યુવતીનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં ઓરડીમાંથી મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીના શરીર પર તેમજ ગુપ્ત ભાગે ઈજાના નિશાન જાવા મળ્યા છે, જે કોઈ સંઘર્ષ કે હુમલા તરફ ઈશારો કરે છે. બીજી તરફ, યુવતીએ ઝેરી દવા પીધી હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપી પ્રેમી બુશા રાઠોડે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે યુવતીએ તેની નજર સામે જ ઝેરી દવા પી લીધી હતી.

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પ્રેમિકાએ ઝેરી દવા પીધી હોવાની જાણ હોવા છતાં પ્રેમી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો ન હતો. તેને સમયસર તબીબી સહાય ન અપાવીને મોતને મુખમાં ધકેલવા બદલ કુવાડવા પોલીસે આરોપી પ્રેમી વિરુદ્ધ નવા કાયદા મુજબ બીએનએસ ૧૦૬ હેઠળ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

યુવતીનું મોત ઝેરી દવા પીવાથી થયું છે કે તેની હત્યા કરવામાં આવી છે, તે રહસ્ય હજુ અકબંધ છે. પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે યુવતી સાથે કોઈ બળજબરી થઈ હતી કે કેમ અને તેના શરીર પરના ઈજાના નિશાન પાછળનું અસલી કારણ શું છે. હાલમાં પોલીસે આરોપી પ્રેમીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.