૫ દિવસમાં પાછી નહીં આવે તો, દીકરીને પરત લાવવા ભાભરમાં ચૌધરી સમાજનું મહાસંમેલન

ઉત્તર ગુજરાતના ભાભર તાલુકાના રૂણી ગામમાં  ચૌધરી સમાજની મહાપંચાયત યોજાઈ હતી જેમાં પ્રેમ લગ્નના મુદ્દે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સામાજિક સ્તરે મહત્વપૂર્ણ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી.

ભાભર તાલુકાના રૂણી ગામમાં યોજાયેલી આ મહાપંચાયત દરમિયાન ચૌધરી સમાજના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી પણ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજના આગેવાનોમાં ગંગારામ ચૌધરી, અણદા ચૌધરી, અમરા ચૌધરી અને નાગજી ચૌધરી સહિતના લોકો ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા જાળવી રાખવા અને પરંપરાગત મૂલ્યોને સુરક્ષિત રાખવા અંગે ભાર મુકાયો હતો.

આ સમગ્ર મામલો ચૌધરી સમાજની દીકરી કંકુ ચૌધરીના પ્રેમ લગ્ન સાથે જોડાયેલો છે. કંકુએ મહાદેવ રબારી નામના યુવક સાથે પોતાના મનથી લગ્ન કર્યા હતા અને હાલ તેમને એક સંતાન પણ છે. છતાં ચૌધરી સમાજ દ્વારા દીકરીને પરત લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. સમાજના આગેવાનોના મતે આ મુદ્દો માત્ર વ્યક્તિગત નથી. પરંતુ સમાજના સન્માન સાથે સંકળાયેલો છે જેને લઈને સર્વસંમતિથી પગલાં લેવા જરૂરી માનવામાં આવી રહ્યા છે.

૬૪ ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા આગામી પાંચ દિવસમાં દીકરીને પરત લાવવાની જવાબદારી લેવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રબારી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો નિર્ધારિત સમયગાળામાં કોઈ પરિણામ નહીં મળે તો આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. હાલ સમાજના યુવાનોમાં આ મુદ્દે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને શાંત રાખવા આગેવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.

બીજી તરફ કંકુ ચૌધરીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે તેમના પરિવારને તોડી ન પાડવામાં આવે. તેમણે જણાવ્યું કે તેઓ પોતાની મરજીથી ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ ઘરેથી નીકળ્યા હતા અને હિન્દુ રીત-રિવાજ મુજબ મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક વર્ષનો દીકરો પણ છે અને તેઓ ઇચ્છે છે કે તેમના બાળકને માતા-પિતાથી અલગ ન કરવામાં આવે. કંકુએ બંને સમાજને સંવેદનશીલતા દાખવી પરિવારની એકતાને જાળવવા વિનંતી કરી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ હવે માત્ર એક પરિવારનો મુદ્દો નથી રહ્યો પરંતુ સમાજના સન્માન અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેનો સંઘર્ષ બની ગયો છે. એક તરફ સમાજ પોતાની પરંપરાઓ અને પ્રતિષ્ઠાને જાળવવા પ્રયાસ કરી રહ્યો છે, તો બીજી તરફ વ્યક્તિગત પસંદગી અને પરિવારની એકતા પણ મહત્વપૂર્ણ બની છે. આવનારા દિવસોમાં આ મુદ્દે શું નિર્ણય લેવાશે તે સૌની નજરમાં છે. પરંતુ હાલ બંને સમાજ માટે સંવેદનશીલ અને સમજદારીપૂર્વક પગલાં લેવા સમયની માંગ છે.