
રાજકોટના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ પાસે 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જે પૈકી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અહીં બંને આરોપીએ લંગડાતા ચાલી, બે હાથ જોડી માફી માગી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મૂર્ઘો જુણેજા 10 દિવસ થયાં છતાં હજુ પોલીસ પકડથી દૂર છે.
બન્ને ગેંગના સભ્યોએ લોકોની માફી માગી, કારમાં હોવાનું કબૂલ્યું રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા મંગળા રોડ પર થયેલ અંધાધૂંધ ફાયરિંગ કેસમાં વધુ ત્રણ આરોપી રાજપાલ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા, દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા અને અલ્કાફ ઉર્ફે જલાનગી અબ્બાસની ધરપકડ કરી છે. રાજકોટ SOG પીઆઇ સંજયસિંહ જાડેજાની ટીમ દ્વારા આજે (8 નવેમ્બર) આરોપીઓને ઘટનાસ્થળ પર લઇ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. અહીં આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીએ લંગડાતા પગે ચાલી બનાવના દિવસે થયેલી ઘટના વર્ણવી હતી અને બે હાથ જોડી લોકોની માફી માગી હતી. પોલીસ તપાસમાં આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા ફાયરિંગ થયા દિવસે સ્વીફ્ટ કારમાં સાથે હોવાનું સામે આવ્યું છે. જ્યારે અરમાન ઉર્ફે ચક્કી મૂર્ઘા ગેંગ સાથે સ્કોર્પિયો કારમાં હોવાનું સામે આવ્યું છે.
રાજપાલ સામે હત્યાની કોશિશનો વધુ એક ગુનો નોંધાયો આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજાને વર્ષ 2016માં પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવીની હત્યામાં આજીવન કેદની સજા થઈ ચુકી છે. જામીન પર છુટયા બાદ પોલીસ કર્મચારી ભરતદાન ગઢવીની હત્યા કેસમાં સાક્ષી જીજ્ઞેશભાઈએ કોર્ટમાં આરોપી રાજા જાડેજા વિરુદ્ધ જુબાની આપતા તેનો ખાર રાખી રાજા જાડેજા અને તેના સાગરીતોએ સાથે મળી 18 ડિસેમ્બર, 2024ના રોજ રાત્રિના સમયે હત્યાના બનાવને નજરે જોનાર સાક્ષીના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી કોર્ટમાં જુબાની ન આપવા ધમકી આપી હતી. આમ તેના વિરુદ્ધ હત્યાની કોશિષના બે ગુના નોંધાયા હતા અને હવે ફરી મંગળા રોડ પર ફાયરિંગ કેસમાં નામ ખુલતા તેના વિરુદ્ધ હત્યાની કોશિષનો વધુ એક ગુનો નોંધાયો છે