
સુપ્રસિધ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ગત મોડી રાત્રે વરસેલા ભારે વરસાદને લઈને ભેખડો ધસી પડવાની ઘટના બનવા પામી હતી જેમાં પથ્થરો નીચે દબાઈ જતા બે યાત્રાળુઓના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ચાર યાત્રાળુઓને ઈજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત યાત્રાળુઓને પ્રાથમિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તે પૈકી બે યાત્રાળુઓને વધુ સારવાર ની જરૂર પડતા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હાલોલ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસવાને લઈને ભેખડો ધસી પડવાની ઘટના બનવા માંગી હતી. ખેડા જિલ્લાના કઠલાલ તેમજ તેની આસપાસના વિસ્તારમાંથી પાવાગઢ દર્શન કરવા માટે આવેલા સાત સભ્યો પગપાળા ચાલી અને પાવાગઢની જ મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન પાટિયા પુલ પાસે પહોંચતા ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને ધોધમાર વરસાદથી બચવા માટે તેઓ એક તરફ ઊભા હતા તે દરમિયાન અચાનક જ ભેખડ ધસી આવતા મોટા પથ્થરો નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ બે લોકોના મોત નીપજા હતા ત્યારે અન્ય ચાર લોકોને ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનિકોને થઈ હતી, ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવી હતી અને હાલોલ ફાયર બ્રિગેડનો સ્ટાફ , સ્થાનિકો તેમજ પાવાગઢ ખાતે રોપ વે કંપનીના કર્મચારીઓ દ્વારા દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા કલેકટર દ્વારા હાલોલ પ્રાંત અધિકારીની અધ્યક્ષનામાં મહેસુલ વિભાગ,વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગની સંયુક્ત ટીમ બનાવી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પાવાગઢ ખાતે રેવા પથ મારફતે પગપાળા જવાના માર્ગ પર ટીમ દ્વારા આ પ્રકારની અન્ય કોઈ ઘટના ન બને તે માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને ટીમ તપાસ કરે ત્યાં સુધી પ્રથમ બે કલાક માટે અને જરૂર પડે તો વધારે સમય માટે રેવાપથ યાત્રાળુઓ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા તેમ જ હોસ્પિટલ તંત્ર અને વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.