
શક્તિ અને ભક્તિના પાવન ધામ પાવાગઢ ખાતે પવિત્ર શ્રાવણ માસની ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શ્રી મહાકાળી માતા મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેના કારણે સમગ્ર માસ દરમિયાન પાવાગઢ ધામમાં શ્રદ્ધા, ભક્તિ અને શિવ ઉપાસનાનો માહોલ જોવા મળ્યો હતો.
દરરોજ શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ શ્રાવણ માસના પ્રારંભથી જ પાવાગઢ મંદિર ખાતે શિવ મહિમ્ન સ્તોત્રના પાઠનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ આઠ બ્રાહ્મણો દ્વારા યાત્રિકોની વચ્ચે શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરવામાં આવ્યા હતા. ભગવાન શિવની સ્તુતિના પાઠથી મંદિર પરિસર સહિત આસપાસનો વિસ્તાર આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો.
સોમવારે મહાદેવજીની મહાપૂજા શ્રાવણ માસના દરેક સોમવારે પાવાગઢ મંદિર ખાતે મહાદેવજીની મહાપૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચનામાં ભાગ લઈને ભગવાન શિવના દર્શન કર્યા હતા. ભક્તોએ મહાદેવજી સમક્ષ પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
‘યજ્ઞશાળામાં આહુતિ અર્પણ કરાઈ મંદિરની યજ્ઞશાળામાં દિવસ દરમિયાન ધાર્મિક વિધિ મુજબ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ દરમિયાન દેવાધિદેવ મહાદેવને આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા આ વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી પાવાગઢ ધામમાં સમગ્ર સમયગાળા દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ છવાયેલો રહ્યો હતો.
પાલખીયાત્રામાં ભક્તો જોડાયા શ્રાવણ માસના અંતિમ દિવસે પાવાગઢ મંદિર દ્વારા મહાદેવજીની સવારી અને પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પરંપરા અને ભક્તિભાવ સાથે નીકળેલી પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર પાવાગઢ શિવમય બની ગયો હતો.
દુધિયા તળાવ ખાતે પાલખીનું વિસર્જન પાલખીયાત્રા દરમિયાન ભક્તોએ મહાદેવજીની સવારીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાના અંતે મહાદેવજીની પાલખી દુધિયા તળાવ ખાતે લાવવામાં આવી હતી. અહીં ધાર્મિક વિધિ મુજબ પાલખીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ સાથે પાવાગઢ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલેલી ધાર્મિક પ્રવૃત્તિઓનું ભક્તિમય સમાપન થયું હતું. શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ, સોમવારની મહાપૂજા, યજ્ઞમાં આહુતિ અને અંતિમ દિવસે મહાદેવજીની પાલખીયાત્રા જેવા કાર્યક્રમોથી પાવાગઢ ધામમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.