ગોધરામાં ગણેશયાત્રામાં અભદ્ર વર્તન કરનાર યુવકને ઝડપાયો :નિયમ ભંગમાં ૧૨ ડીજે જપ્ત

ગોધરામાં ગણેશ આગમન યાત્રા દરમિયાન અભદ્ર વર્તન કરનાર એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. યુવકે પોતાની ભૂલ સ્વીકારી પોલીસ સમક્ષ માફી માંગી હતી.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં શ્રી ગણેશજીની આગમન યાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન એક યુવક અશોભનીય વર્તન કરીને નાચી રહ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વીડિયો સામે આવ્યા બાદ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે મોટી કાંટડી ગામના રહેવાસી ધર્મેન્દ્ર પરમાર નામના યુવકને શોધી કાઢી ઝડપી પાડ્યો હતો.

પોલીસના સકંજામાં આવ્યા બાદ યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે પોલીસ સમક્ષ કાન પકડી માફી માંગી અને ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની અભદ્ર કે અશોભનીય હરકત નહીં કરવાની લેખિત બાંહેધરી પણ આપી હતી.

પંચમહાલના નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાએ જણાવ્યું કે, ૫ સપ્ટેમ્બરે ગણેશ આગમન સમયે એક યુવક અભદ્ર વર્તન અને ઈશારા કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. માહિતી મળતાં જ પોલીસે શોધખોળ શ‚ કરી મોટી કાંટડીના રહેવાસી ધર્મેન્દ્રભાઈ પ્રતાપભાઈ પરમારની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત, કલેક્ટરના જાહેરનામા મુજબ ડીજેમાં કેવા ગીતો વગાડવા અને તેની ડેસિબલ લિમિટ કેટલી રાખવી તે અંગેના નિયમો નક્કી કરાયા છે. તેમ છતાં અશ્લીલ ચેષ્ટાઓ કે નિયમભંગ બદલ પોલીસે અત્યાર સુધીમાં કુલ ૧૨ જેટલા ડીજે જપ્ત કરી દંડ ફટકાર્યો છે.

તાજેતરમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન પણ અભદ્ર ગીતો વગાડવા બદલ ૨ ડીજે જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે નાગરિકોને નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે.