હાલોલમાં ગણેશ આગમનમાં મોટા અવાજે ડીજે વગાડતા બે માલિકો સામે ફરીયાદ નોંધાઇ છે.
હાલોલ શહેરમાં ગણેશ મહોત્સવને લઈ શ્રીજીની આગમન યાત્રાઓ દરમિયાન જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં નિયત મર્યાદા કરતાં વધુ અવાજે ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા બદલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
જાહેર જનતાને ત્રાસ પહોંચાડવા અને જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ હાલોલ ટાઉન પોલીસે બે અલગ-અલગ બનાવોમાં બે ડીજે માલિકો સામે ગુના નોંધ્યો છે.
પ્રથમ બનાવ તા. ૯ સપ્ટેમ્બરે મોડી રાત્રે બન્યો હતો, જેમાં સરસ્વતી સ્કૂલ (કંજરી)થી પાવાગઢ રોડ તરફ જતી આગમન યાત્રામાં આઇસર ટેમ્પો પર દરબાર બુલેટ સાઉન્ડ સિસ્ટમના માલીક દ્વારા મોટેથી ગીતો વગાડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તપાસ કરી કોપરેજ ગામના ડીજે માલિક સંજયભાઈ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે.
બીજો બનાવ તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ બપોરે સરસ્વતી સ્કૂલથી વડોદરા રોડ તરફ જતી યાત્રા દરમિયાન રેફરલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તાર નજીક વી.સી. ઓડિયો સાઉન્ડ સિસ્ટમ દ્વારા મોટા અવાજે ગીતો વગાડવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસે વડોદરાના માંજલપુરના ડીજે માલિક જયવંતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધી છે. આ સિવાય, તેમની ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતી રીલ્સ મૂકવા બદલ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.