
હાલોલના ગંગાતલાવડી-રસુલપુર માર્ગ પર તાત્કાલિક રબલ અને વેટમિક્સ પાથરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો.
પંચમહાલ જીલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે ગ્રામીણ તેમજ મુખ્ય માર્ગોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, ગોધરા દ્વારા નાગરિકોની સુવિધા અને માર્ગ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
આ ઝુંબેશ અંતર્ગત હાલોલ તાલુકાના ગંગાતલાવડી-રસુલપુર રાઠવા ફળિયા રોડ (ગ્રામીણ માર્ગ) પર આવેલા પાઇપ નાળાની સાઇડમાં ભારે વરસાદના કારણે માટીનું ધોવાણ થયું હતું. જેને પરિણામે વાહનચાલકો તેમજ સ્થાનિક રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
સ્થાનિકોની આ સમસ્યાની તાકીદે નોંધ લઈ માર્ગ અને મકાનના પેટા વિભાગ, હાલોલ દ્વારા વિલંબ વિના કામગીરી શ કરવામાં આવી હતી. આ રસ્તા પર તાત્કાલિક અસરથી રબલ તથા વેટમિક્સ પાથરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેથી માર્ગ પરનો વાહનવ્યવહાર પુન: સુરક્ષિત અને સુગમ બન્યો છે.