પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો છે. જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના ૨૩ કેસ નોંધાયા છે. જેમાં ૨ મૃત બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝીટીવ આવ્યો છે. જયારે ૩ મૃત બાળકોના રિપોર્ટ ચાંદીપુરા નેગેટિવ આવ્યા છે. જિલ્લામાં હાલ ૫ બાળકો સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો ધરાવતા ૨૩ બાળકોમાંથી ૧૭ બાળકોનો રિપોર્ટ ચાંદીપુરા નેગેટિવ આવ્યો છે. જિલ્લામાં ૨ ના મોત ચાંદીપુરા પોઝીટીવથી થયા હોવાનુ રિપોર્ટમાં આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. પરંતુ ૩ બાળકોને તાવ, ઉલ્ટી અને ખેંચ સાથે મગજનો તાવ આવતા સારવાર માટે ખસેડ્યા બાદ ૪૮ કલાકની અંદર ૩ બાળકોના મોત થયા છે. ૩ બાળકોના ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પણ બાળકોને લક્ષણ ચાંદીપુરા વાયરસ જેવા હતા. આરોગ્ય વિભાગે બાળકોના લોહીના નમુના લઇને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં ચાંદીપુરા વાયરસ, ડેન્ગ્યુ, ચિકનગુણીયા, જાપાનીઝ તાવ સહિતના ૯ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે ૩ બાળકોના મોત કયાં વાયરસથી થયા છે તે હજુ જાણી શકાયુ નથી.