પંચમહાલ જિલ્લામાં ડીડીઓ, ડે.ડીડીઓ, ટીડીઓ, તાલુકા બાંધકામ શાખાના ઈજનેર જેવા મહત્વના અધિકારીઓની કાયમી નિમણુંક નહિ થતાં હાલ ચાર્જમાં જ અન્ય અધિકારીઓ વહીવટ સંભાળી રહ્યા છે. એવી જ રીતે કલેકટર કચેરીમાં પણ ચીટનીશ મામલતદાર સહિત પાંચ જેટલા અધિકારીની જગ્યાઓ ઈન્ચાર્જ અધિકારી સંભાળી રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી વય નિવૃત્ત થયા બાદ કાયમી ધોરણે અધિકારી ફાળવવામાં આવ્યા નથી. જેથી જેનો ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર સંભાળી રહ્યા છે. જયારે પંચાયત વિભાગના ડેપ્યુટી ડીડીઓનો ચાર્જ પર ગોધરા ટીડીઓ સંભાળી રહ્યા છે. એવી જ રીતે ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી તરીકે પણ કાયમી ધોરણે અધિકારીની ફાળવણી કરવામાં આવી નથી. ઈન્ચાર્જ તરીકે હાલ વહીવટ ચાલી રહ્યો છે. હાલ જાંબુઘોડા ટીડીઓ ચાર્જ સંભાળી રહ્યા છે. કાલોલ તાલુકામાં પણ આ જ હાલ જોવા મળી રહ્યો છે. કાલોલ તાલુકા વિકાસ અધિકારી તરીકે હાલ ઈન્ચાર્જમાં કામગીરી ચાલી રહી છે. જિલ્લાના ગોધરા,મોરવા(હ), અને ઘોઘંબા તાલુકામાં તાલુકા 5ંચાયત બાંધકામ શાખાના ઈજનેરની જગ્યાઓ પણ હાલ અન્ય તાલુકાના ઈજનેર ઈન્ચાર્જ તરીકે સંભાળી રહ્યા છે. જિલ્લા કલેકટર કચેરીમાં પણ ચીટનીશ સહિત મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ કાયમી ધોરણે ફાળવણી નહિ થતાં હાલ ઈન્ચાર્જ અધિકારીઓ કામગીરી કરી રહ્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ ઉપરાંત તાજેતરમાં ગોધરા ડીવીઝનમાં ડીવાયએસપી વયનિવૃત્ત થતા હવે આ અધિકારી પણ ઈન્ચાર્જ મુકવામાં આવ્યા છે. ત્યારે મહત્વના અધિકારીઓની કાયમી નિમણુંકમાં કેમ વિલંબ થઈ રહ્યો છે. જેવી અનેક ચર્ચાઓ સાથે કાયમી ધોરણે અધિકારીઓની નિમણુંક કરવામાં આવે એવી જાહેર જનતામાં માંગ ઉઠી છે.