પાલનપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત યોજાઈ, દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં રહ્યો

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક ચડોતર ગામે આજે આપની ખેડૂત મહાપંચાયત યોજાઈ. આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપ નેતાઓ પાલનપુર ખાતે પહોંચ્યા. ખેડૂતોના વિવિધ પ્રશ્ર્નોને લઈ યોજાયેલી આ ખેડૂત મહાપંચાયતમાં તાજેતરમાં ગુજરાતની રાજનીતિમાં ચર્ચાસ્પદ બનેલો દારૂ અને ડ્રગ્સનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો. દારૂ અને ડ્રગ્સ મુદ્દે આપ નેતાઓએ પણ અનેક નિવેદનબાજી કરી ૨૦૨૭માં આપની સરકાર બનાવવા લોકોને વિનંતી કરી હતી.

આગામી સ્થાનિક સ્વરાજ્ય અને ૨૦૨૭ વિધાનસભાને લઈ ભાજપ હોય કે કોંગ્રેસ અલગ અલગ કાર્યક્રમો દ્વારા મતદારોમાં પોતાનું પ્રભુત્વ જમાવવાના પ્રયાસો કરી રહ્યું છે. તે વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ઠેર ઠેર ખેડૂત મહાપંચાયતોનું આયોજન કરી ખેડૂતોને એકઠા કરવામાં આવી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક ચડોતર ગામે આપની ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયું હતું.

આપ નેતાઓની આગેવાનીમાં મળેલી આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઊમટ્યા હતા. મહત્વની વાત છે કે ખેડૂતોના અનેક પ્રશ્ર્નોને લઈ યોજાયેલી આ ખેડૂત મહાપંચાયતમાં આપ નેતાઓએ જો પોતાની સરકાર આવશે તો ખેડૂતોને ફાયદા થાય તેવા અલગ અલગ વચનોની વણઝાર કરી છે. ત્યારે ખેડૂતો માટે આ ખેડૂત મહાપંચાયતમાં ખેડૂતોના પ્રશ્ર્નોની સાથે સાથે ગુજરાતની રાજનીતિમાં ચર્ચામાં આવેલો દારૂ અને ડ્રગ્સનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો હતો.

આપ પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ દારૂને લઈ નિવેદન આપ્યું અને કોંગ્રેસી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું. ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે પટ્ટો કમર ઉપર બાંધવાનો હોય છે પરંતુ કેટલાક અધિકારીઓ અને કેટલાક પોલીસ કર્મીઓ પટ્ટા ટોમીની માફક ગળામાં લગાવવા લાગ્યા છે અને આવા ટોમી બની ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓના પટ્ટા ઉતરવા જ જોઈએ.

ઉલ્લેખનીય છે કે, એક તરફ કોંગ્રેસમાં ખેડૂતોના પ્રશ્ર્નોને લઈ નીકળેલી જન આક્રોશ યાત્રા હવે દારૂ અને ડ્રગ્સ મુદ્દે વળી છે. તો બીજી તરફ ખેડૂતોની મહાપંચાયત યોજી ખેડૂતોમાં પોતાનું પ્રભુત્વ ઊભું કરવા મથામણ કરી રહેલી આમ આદમી પાર્ટીની ખેડૂત પંચાયતોમાં પણ દ્રાક્ષ અને દારૂના મુદ્દા ચર્ચામાં જોવા મળી રહ્યા છે.