કચ્છમાં ગેસનું ટેક્ધર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું, ચારથી પાંચ ટ્રક બળીને ખાખ

ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેક્ધર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટ્યું હતું. જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી.એલપીજી ગેસ ભરેલા ટેક્ધરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતા નજીકની હાઈવે હોટેલ પાસે ઊભેલાં ચારથી પાંચ જેટલાં ટ્રક અને ટ્રેલર પણ આગમાં ભસ્મિભૂત થઈ ગયા હતા. જોકે, સદનસીબે ફાયર વિભાગે આ ગમખ્વાર આગ પર કાબૂ મેળવી લીધો છે. આ મોટી દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. તો બીજી બાજુ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આગ કયા કારણોસર લાગી તેને લઈ ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે. આ દુર્ઘટનામાં કોઈએ આગ લગાડી છે કે પછી અચાનક જ આગ લાગી તે દિશામાં તપાસ ચાલી રહી છે.

આ ગમખ્વાર અકસ્માતમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સામખિયાળી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટેની કાર્યવાહી કરી રહી છે. જોકે, હાલ આ આગ કાબૂમાં છે.

ભચાઉ ફાયર ટીમના અધિકારીએ આ ગમખ્વાર અકસ્માત અંગે જણાવતા કહ્યું કે, અમને સવારે ૫.૧૨ની આસપાસ ફોન આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, જૂના કટારિયાની પાસે ગેસનું ટેક્ધર પલટી જતા બ્લાસ્ટ થયો છે. આ સાથે આગ લાગી છે. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.