ન્યૂ યર સેલિબ્રેશનમાં પોલીસની કડક કાર્યવાહી: દારૂના નશામાં ધૂત ૧૭૭ લોકો ઝડપાયા

નવા વર્ષની ઉજવણી દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૩૧ ડિસેમ્બરની સાંજથી લઈને ૧ જાન્યુઆરીના સવારે ૮ વાગ્યા સુધી શહેરભરમાં વિશેષ ડ્રાઈવ ચલાવી નશો કરીને ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂના નશામાં જાહેરમાં ફરતા કુલ ૧૭૭ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. નવા વર્ષની ઉજવણીના નામે કાયદાનો ભંગ ન થાય તે માટે પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી હતી.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુનર હોટલમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસ ટીમે રેડ કાર્યવાહી કરી હતી. રેડ દરમિયાન ૯ લોકો દારૂના નશામાં ઝડપાયા હતા. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નશો કરીને ઝડપાયેલા આરોપીઓને તબીબી તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

અમદાવાદ પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળી છે અને જાહેર સ્થળોએ શાંતિ અને સુરક્ષા સુનિશ્ર્ચિત કરવામાં આવી છે.