ગુજરાતની રાજનીતિમાં ગરમાવો,અનંત પટેલ આપમાં જોડાય તેવી શક્યતા

દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. વલસાડ-ડાંગ બેઠકના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા છે. ધવલ પટેલે દાવો કર્યો છે કે અનંત પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસનો સાથ છોડીને ’આપ’ માં જોડાઈ શકે છે.

સાંસદ ધવલ પટેલે એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ચૈતર વસાવા વચ્ચે આંતરિક સાંઠગાંઠ ચાલી રહી છે. ધવલ પટેલે આશંકા વ્યક્ત કરી છે કે અનંત પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ચૈતર વસાવા સતત કોંગ્રેસના સભ્યોને પોતાની તરફ ખેંચી રહ્યા છે, જ્યારે અનંત પટેલ તેમને આડક્તરી રીતે સમર્થન આપી રહ્યા છે. આ જોડાણ આગામી સમયમાં કોંગ્રેસને મોટું નુક્સાન પહોંચાડશે.

ધવલ પટેલે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, એક તરફ સરકાર આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસ માટે સતત કામ કરી રહી છે, ત્યારે બીજી તરફ અનંત પટેલ અને ચૈતર વસાવા સમાજને ખોટા મુદ્દે ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે.

અનંત પટેલ આદિવાસી આંદોલનોનો મોટો ચહેરો રહ્યા છે. જો તેઓ ખરેખર આમ આદમી પાર્ટીમાં જોડાય, તો દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. ધવલ પટેલના આ નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે અનંત પટેલ કે કોંગ્રેસ પક્ષ તરફથી આ બાબતે શું સ્પષ્ટતા કરવામાં આવે છે. જ્યારે ધવલ પટેલ વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સરકાર આદિવાસીઓના હિત માટે કટિબદ્ધ છે, પરંતુ વિપક્ષી નેતાઓ માત્ર રાજકીય રોટલા શેકવા માટે સમાજમાં ભ્રમ ફેલાવી રહ્યા છે.