
છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના લિન્ડા ખાતેના સિંચાઈ તળાવની નવી બનેલી કેનાલમાં ગાબડા પડ્યા છે. આ કેનાલ રૂ.૧.૧૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે કેનાલના કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે.
નસવાડી તાલુકાના લિન્ડામાં જીલ્લા પંચાયત હસ્તકનું સિંચાઈ તળાવ આવેલું છે. આ તળાવ દ્વારા આસપાસના ચાર ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે. અગાઉ આ તળાવની કેનાલ જર્જરિત થઈ ગઈ હતી, જેથી ત્રણ-ચાર મહિના પહેલાં જ નવી કેનાલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
૩.૫ કિલોમીટર લાંબી આ કેનાલના નવીનીકરણ પાછળ . ૧.૧૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, નવી બનેલી કેનાલમાં મોટા ગાબડા પડતાં સ્થાનિક લોકો કામની હલકી ગુણવત્તા અને અધિકારીઓની યોગ્ય દેખરેખના અભાવ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે, કેનાલમાં હજુ એકપણ વખત પાણી છોડવામાં આવ્યું નથી, તેમ છતાં ગાબડા પડ્યા છે. આ યોજના ચાર ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરૂ પાડવા માટે બનાવવામાં આવી હતી.
આ મામલે નસવાડી સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે કામગીરીમાં કોઈ ખામી નથી. તેમના મતે, ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ થયેલા ભારે વરસાદને કારણે ડુંગરમાંથી આવેલા પાણીના પ્રવાહથી કેનાલમાં ગાબડું પડ્યું છે.
કેનાલમાં ગાબડા પડવાને કારણે ખેડૂતોને સમયસર પાણી નહીં મળે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ વહેલી તકે કેનાલનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.