બોડેલીના ઉચાપાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (ઇંઙઈક)ના સહયોગથી આધુનિક તબીબી સાધનોનું દાન મળ્યું છે. આ સાધનો સિકલ સેલ અને માતૃત્વ આરોગ્ય સેવાઓને નવી દિશા આપશે.
આ સાધનોનું લોકાર્પણ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા નીલાબેન ઉપાધ્યાય, આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડો. વનિતાબેન રાઠવા, સિંચાઈ સમિતિના અધ્યક્ષ ભાવનાબેન રાઠવા, ઈંખઅ છોટાઉદેપુરના અધ્યક્ષ ડો. સ્નેહલભાઈ રાઠવા, સરપંચ કવિતાબેન સહિત ગામના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાનમાં આપવામાં આવેલા સાધનોમાં સેલ કાઉન્ટર, ECG મશીન, મલ્ટી પેરા મોનિટર, સક્શન મશીન, રિસસિટેશન કિટ, નેબ્યુલાઈઝર, HFNC મશીન, ગ્લુકોમીટર, હિમોગ્લોબિનોમીટર અને સિકલ સેલ ટેસ્ટિંગ કિટનો સમાવેશ થાય છે.
આ આધુનિક ઉપકરણો સિકલ સેલ રોગના વહેલા નિદાન, અસરકારક સારવાર અને સતત દેખરેખ માટે અત્યંત ઉપયોગી થશે. ઉપરાંત, સગર્ભા માતાઓ, પ્રસૂતિ સેવાઓ અને નવજાત શિશુઓની ગુણવત્તાસભર સારવારમાં પણ મદદપ થશે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચાપાન પરિવારે જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCL અને તમામ મહાનુભાવોનો આ મૂલ્યવાન સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.