નસવાડી તાલુકાની સાંકળ (પી)જુથ ગ્રામ પંચાયતમાં 16 ગામોનો સમાવેશ થાય છે. જેમાં 7 કિ.મી.દુર આવેલા કુપ્પા ગામના લોકો પંચાયત કચેરીમાં કામગીરી માટે આવવા મજબુર છે. 6 હજારથી વધુ લોકોની વસ્તી હોવા છતાં તંત્ર દ્વારા ગ્રામ પંચાયતનુ વિભાજન નહિ કરતા ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે.
નસવાડી તાલુકાના સાંકળ(પી)જુથ ગ્રામ પંચાયતમાં સાંકળ (પી), ધેસવાડી, આમથા, ખોખરા, વાડીયા, ડબ્બા, પીપલાવાની, ખેડા, છોટીઉંમર, કુપ્પા, સાંકડીબારી, ધનીયાબારી આમ 12 ગામોનો સમાવેશ થાય છે. સાંકળ(પી)ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે લોકો પગપાળા ચાલી કામગીરી માટે આવવા મજબુર છે. તંત્રના અધિકારીઓએ સમસ્યાનો ઉકેલ કરવો જોઈએ તેવી લોકોની માંગ છે. સાંકળ(પી)જુથ ગ્રામ પંચાયત 16 ગામોની ગ્રામ પંચાયત હોય ત્યારે તેનુ વિભાજન કરવા માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ. સરકારે મોટી ગ્રામ પંચાયતને વિભાજન કરવા અનેકવાર તાલુકા મથકના અધિકારીઓને પરીપત્ર કર્યા છે. પરંતુ અધિકારીઓ કોઈ ઘ્યાન આપતા નથી. હાલ તો આદિવાસી સમાજના લોકો હેરાન થઈ રહ્યા છે. સરકારે અને તાલુકા વિકાસ અધિકારીએ આ ગ્રામ પંચાયતને વિભાજન કરી ત્રણ જેટલી ગ્રામ પંચાયતો બનાવવી જોઈએ તેવી માંગ છે.