
નસવાડી તાલુકાના કુકરદા ગામમાં દિવાસા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલા આ ઉત્સવમાં ગામ પીહાના સૂર સાથે ગુંજી ઉઠ્યું હતું.
વર્ષો જૂની આ પરંપરાને જીવંત રાખવા માટે ગામેગામથી મોટી સંખ્યામાં લોકો આ તહેવાર જોવા ઉમટી પડ્યા હતા. કુકરદામાં દિવાસા પર્વે આદિવાસી સંસ્કૃતિનો અનોખો રંગ છવાયો હતો.
યુવાનોએ પરંપરાગત વાદ્ય ‘પીહા’ વગાડીને ઉત્સાહભર્યો માહોલ બનાવ્યો હતો. પીહાના સૂર સાંભળીને એકરંગી પહેરવેશ ધારણ કરેલી યુવતીઓએ ગોળ કુંડાળામાં હાથમાં હાથ મિલાવીને પરંપરાગત લોકનૃત્ય કર્યું હતું.
દિવાસાનો આ તહેવાર માત્ર એક પર્વ નથી, પરંતુ ડુંગર વિસ્તારની ઓળખ અને એકતાનું પ્રતિક પણ માનવામાં આવે છે.