
બોડેલીના રણભુન ઘાટીથી સિથોલ તરફ જતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમય પહેલા જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ ડામર ઉખડી જતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
મોટી બૂમડી રણભુન ઘાટી-સિથોલ માર્ગ પર અનેક સ્થળોએ મોટા ખાડા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. ખાસ કરીને વરસાદ બાદ રોડની સ્થિતિ વધુ ખરાબ બની છે. આ ખાડાઓના કારણે વાહનચાલકોને વાહનો ધીમે ચલાવવા પડે છે અને સામેથી આવતા વાહનોને સાઇડ આપતી વખતે અકસ્માતનો ભય રહે છે.

પાવીજેતપુરના સિહોદ નજીક ડાયવર્ઝન તૂટી જવાને કારણે ભારે વાહનોની અવરજવર માટે પણ આ માર્ગનો ઉપયોગ વધી ગયો છે. જેના પરિણામે, પહેલેથી જ ખાડાઓથી પરેશાન રોડ પર ભારે વાહનો પસાર થતાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે.
માર્ગ પર અનેક જગ્યાએ ડામર ઉખડી ગયો છે અને મોટા ખાડા પડી ગયા છે. વરસાદી માહોલમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી તેમની ઊંડાઈનો અંદાજ આવતો નથી. આ સ્થિતિ ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે જોખમ વધારી દે છે.
રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, નવા બનેલા માર્ગની આટલી ઝડપથી બિસ્માર હાલત થતાં રોડની કામગીરીની ગુણવત્તા અંગે તાત્કાલિક તપાસ થવી જરી છે. સ્થાનિક વાહનચાલકો તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ કરવા અને મોટા ખાડાઓનું વહેલી તકે સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.
જો સમયસર રોડનું સમારકામ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં અકસ્માતની શક્યતા વધુ વધી શકે છે. તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિકોની પ્રબળ માંગ છે.