મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માએ આજે છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર ખાતે સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મોહનસિંહ રાઠવા ગુજરાત રાજ્યના દસ વખત ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા હતા.
૮૨ વર્ષીય મોહનસિંહ રાઠવાનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ છોટાઉદેપુર જીલ્લાના સૌથી દિગ્ગજ રાજકીય નેતાઓમાંના એક હતા. પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના અગ્રણી નેતા તરીકે, તેમણે દાયકાઓ સુધી રાજકારણમાં સક્રિય રહી આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પાવીજેતપુરની એમ.સી. રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તેમના પરિવારજનો દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપરાંત, ભચના સાંસદ મનસુખ વસાવા, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, રાજ્યના અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. પાવીજેતપુર ગામના તમામ બજારો બંધ રાખીને લોકોએ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મોહનસિંહ રાઠવાનું નિધન છોટાઉદેપુર અને ગુજરાતની રાજનીતિ માટે એક યુગના અંત સમાન માનવામાં આવી રહ્યું છે. દાયકાઓ સુધી લોકોના પ્રશ્નો માટે લડનારા આદિવાસી સમાજના આ દિગ્ગજ નેતાનું જાહેરજીવનમાં આપેલું યોગદાન અને રાજકીય વારસો હંમેશા યાદ રહેશે.