મોરવા(હ)ના સુલિયાત ગામ નજીક શ્ર્વાન આડું આવતા બાઇક ચાલક યુવકને ગંભીર ઈજાઓ

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના સુલિયાત ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર અચાનક શ્ર્વાન આડું આવી જતાં બાઇક સવાર યુવકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બાઇક પછડાતાં ૨૫ વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ, સાગવાડા ગામના ૨૫ વર્ષીય જગદીશ રામાભાઈ પોતાના કામકાજ અર્થે મોરવા હડફ વિસ્તારમાં ગયા હતા. કામ પૂર્ણ કરીને તેઓ બાઇક પર પોતાના વતન સાગવાડા ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સુલિયાત ગામ નજીક અચાનક એક શ્ર્વાન રોડ પર દોડી આવ્યું હતું. બાઇક ચાલક જગદીશભાઈએ શ્ર્વાનને બચાવવા પ્રયાસ કરતાં સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક રોડ પર પછડાયું હતું.

આ અકસ્માતમાં જગદીશ રામાભાઈને માથાના ભાગે તેમજ બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.