મહીસાગર ‘નલ સે જલ’ કૌભાંડ : CID ક્રાઈમે વધુ એક ભાજપ નેતાને દબોચ્યા, મુકેશ શ્રીમાળીની ધરપકડથી ખળભળાટ

ગુજરાતમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ આચરવામાં આવેલા કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મોટા માથાની ધરપકડ કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. CID ક્રાઈમ દ્વારા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે, જેઓ મહીસાગર જિલ્લામાં યોજનાના અમલીકરણમાં ગેરરીતિઓ આચરવા બદલ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

મહીસાગર નલ સે જલ યોજના કૌભાંડ : નલ સે જલ કૌભાંડમાં વાસ્મોના 4 સોશિયલ કર્મીઓની ધરપકડ કરી

‘નલ સે જલ’ યોજનાનો મુખ્ય હેતુ દરેક ઘેર ઘેર શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો છે, પરંતુ મહીસાગર જિલ્લામાં આ યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં અગાઉ પણ અનેક આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે મુકેશ શ્રીમાળીની ધરપકડ આ તપાસમાં એક મહત્વપૂર્ણ કડી સમાન છે. CID ક્રાઈમ બ્રાન્ચે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે અને ગેરરીતિઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

મુકેશ શ્રીમાળી પાસેથી ₹1.76 કરોડ રિકવર કરવાના બાકી

CID ક્રાઈમની તપાસ મુજબ, મુકેશ શ્રીમાળી પાસેથી કૌભાંડના નાણાં પૈકી ₹1.76 કરોડ રિકવર કરવાના બાકી છે. તેમની ધરપકડ બાદ હવે આ નાણાંની રિકવરી અને કૌભાંડના ઊંડાણ સુધી પહોંચવા માટે પોલીસ વધુ સક્રિય બની છે. રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હોવા છતાં, કાયદાની સકંજામાંથી કોઈ બચી શકશે નહીં તેવો સંદેશ આ ધરપકડ દ્વારા સ્પષ્ટપણે આપવામાં આવ્યો છે.આ ધરપકડથી ભાજપના સંગઠનમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. CID ક્રાઈમની આ કાર્યવાહીથી ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ વધુ વેગવાન બની હોવાનું મનાઈ રહ્યું છે.