મહીસાગર જીલ્લામાં કામ કરતા તમામ શ્રમિકો/કામદારોની માહિતી પોલીસને આપવી ફરજીયાત

મહીસાગર જીલ્લા અધિક નિવાસી કલેકટર દ્વારા જીલ્લામાં માં કામ કરતા તમામ શ્રમિકો/કામદારોની માહિતી પોલીસને આપવા અંગેની જાહેરનામું.

મહીસાગર જીલ્લામાં નવા બંધાતા મકાનોમાં તેમજ નગરપાલિકા/ગ્રામપંચાયત વિસ્તારમાં મજુરી કામ અને ટેલિફોન કંપની દ્વારા ખોદાતા ખાડાઓનુ મજુરીકામ મેળવી તેમજ અન્ય મજુરી કામ કરવા બહાના હેઠળ કેટલાક ઇસમો રોકાણ કરી પરિસ્થિતિનો સર્વે કરી માહિતગાર થઇ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ આચરતા હોય છે. તેમજ લેબર કોન્ટ્રાક્ટરો/મુકાદમો/રોજગારી આપનાર સંસ્થાઓ/એકમો તરફથી કામગીરી માટે રાખેલ શ્રમિકો/કામદારોનો કોઇ પુર્વ ઇતિહાસ, નાગરિકતા તથા ઓળખ કર્યા સિવાય રોજગારી આપી દેવામાં આવતી હોય છે જે દેશની આંતરિક સુરક્ષા માટે અયોગ્ય અને અનિચ્છનિય છે.

જેથી સરકાર કક્ષાએથી પણ રોજગારી આપતી સંસ્થાઓ/એકમો/સંસ્થાઓમાં શ્રમિકો/કામદારોને રોજગારી આપતી વખતે તેઓનો પુર્વ ઇતિહાસ,નાગરિકતા અને ઓળખ અંગે વેરીફીકેશન/ચકાસણી કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના થઈ આવેલ છે. જેમાં દેશની સાંપ્રત પરિસ્થિતિને જોતા પરપ્રાંતિય/દેશની બહારના અસામાજીક પ્રવૃતિ ધરાવતા ઇસમો જીલ્લામાં કામના બહાને આશરો મેળવે અને જીલ્લાની શાંતિ અને સલામતિનું વાતાવરણ બગાડે તે શક્યતા નકારી શકાય નહી. જેથી મહીસાગર જીલ્લામાં લેબર કોન્ટ્રાક્ટર/મુકાદમ/રોજગારી આપતી સંસ્થાઓ તથા એકમોએ જે શ્રમિકો/કામદારોને પોતાની પાસે કામ માટે રાખેલ હોય અને કામકાજ માટે સપ્લાય કરતા હોય તેઓની તમામ વિગતો (પુર્વ ઇતિહાસ/નાગરિકતા/ઓળખ) અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનોને દિન-7 માં જાણ કરવા માટે મહીસાગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ સી.વી.લટા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

મહીસાગર જીલ્લામાં આવેલ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ઉદ્યોગો, બેંકિંગ, ફાયનાન્સ તથા પ્રાઈવેટ સેક્ટરના એકમોના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં ઘરઘાટી નોકર, ડ્રાઈવર, રસોઈયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો, શ્રમિકો, કામદારો વિગેરે જે હાલમાં કામ ઉપર છે તેમની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાહેરનામુ પ્રસિદ્ધ થયેથી દિન 7 માં ફરજીયાતપણે નોંધણી કરાવવાની રહેશે. વધુમાં હવે પછીથી કામ ઉપર રાખવામાં આવનાર તમામ કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાક્ટના કર્મચારી/કારીગરો/શ્રમિકો વિગેરે નવા કામદારો કામ ઉપર આવ્યેથી દિન 07 માં નોંધણી કરાવવાની રહેશે.”

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા.10/01/2026 થી તા.10/03/2026 (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.