લુણાવાડાની એસ.કે. હાઈસ્કૂલમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

માર્ગ સલામતી માર્ચ 2026 ના ઉપલક્ષમાંલુણાવાડાની એસ.કે. હાઈસ્કૂલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં ચાલી રહેલા વાર્ષિક મહોત્સવ દરમિયાન આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એમ.એમ. પરમાર અને આસિસ્ટન્ટ આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એન.કે. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે અધિકારીઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે શિસ્તબદ્ધ વાહન ચલાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા સરકારની મહત્વાકાંક્ષી ’રાહ વીર વિશે વિશેષ સમજૂતી આપવામાં આવી હતી. જેમાં અકસ્માત સમયે ઘાયલોને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને મળતી સહાય અને કાયદાકીય રક્ષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અંતમાં, માર્ગ સલામતીના નિયમો દર્શાવતા પેમ્પલેટ્સનું વિતરણ કરી સૌને સુરક્ષિત મુસાફરી માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. શાળા પરિવાર અને વાલીઓએ આર.ટી.ઓ. વિભાગની આ પહેલને બિરદાવી હતી.