
શહેરા તાલુકાના આંબાજેટી ગામ ખાતેથી પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને તેમની ટીમ એ ગૌચર જમીનમાં થઈ રહેલ ખનન પર પહોંચીને બે ટ્રેક્ટર ને સ્થળ પરથી પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંત અધિકારી ખાનગી વાહન લઈને ટીમ સાથે સ્થળ ઉપર પહોંચતા ગેરકાયદે ખનન કરી રહેલ લોકોમાં નાશભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા.જોકે ગૌચર જમીનમાં કોના દ્વારા ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરા તાલુકામાં થઈ રહેલ ખનીજ ચોરી અટકે તે માટે પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલને ખાનગી રાહે માહિતી મળી હતી કે, તાલુકાના આંબાજેટી ગામમાં ગૌચર જમીનમાં ગેરકાયદે ખનન ચાલી રહયુ છે, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ તેમની ટીમ સાથે ખાનગી વાહન લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ગૌચર જમીનમાં ગેરકાયદે ખનન કરી રહેલ જોવા મળતા તેઓ પણ વિચારમાં પડી ગયા હતા. ટ્રેક્ટર સહિતના વાહનોના ચાલકો અધિકારી સહિતની ટીમને જોતા વાહનો લઈને ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા હતા. પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલને સ્થળ ઉપરથી બે ટ્રેક્ટર મળી આવતા ખાણ ખનીજ વિભાગને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવા સાથે પકડી પાડેલ બંને ટેકટરોને ખનીજ વિભાગને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ ગૌચર જમીનમાં ગેરકાયદે ખનન કોના દ્વારા કરવામાં આવી રહ્યું હતું, તે દિશામાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ગામ સહિત આજુબાજુના ગામમાં નદી કોતર તેમજ નદીના નજીકમાં આવેલ જમીનમાંથી લીઝ નહી હોવા છતાં રેતી કાઢીને ખનીજ ચોરો મસમોટી રકમ કમાઈ રહ્યા હોય ત્યારે સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગ આ સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેથી તાલુકામાં થતી ખનીજ ચોરી અટકી શકે તો નવાઈ નહીં, હાલ તો એમ કહી શકાય કે અધિકારીઓની રેકી કરવામાં આવતી હોય ત્યારે પ્રાંત અધિકારીએ પોતાની નૈતિક ફરજ સમજીને અને ખનીજ ચોરી અટકે તે માટે ખાનગી વાહન લઈને ગેરકાયદેખનન થઈ રહેલ સ્થળ ઉપર પહોંચતા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને તેમની ટીમની સારી કામગીરીને જાગૃત નાગરિકોએ બિરદાવી હતી. જ્યારે તાલુકા પંથકમાં થતી ખનીજ ચોરી અટકે તે માટે જાગૃત ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી ને આ બાબતની માહિતી આપવામાં આવશે, તો તેઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો નવાઈ નહી.