
મહેસાણા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા અને પાલતુ પ્રાણીઓના યોગ્ય નિયમન માટે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પશુપાલકો અને પાલતુ શ્વાન રાખતા નાગરિકો માટે નવી ગાઇડલાઇન અને પોલિસી જાહેર કરવામાં આવી છે. પાલિકાના ડેપ્યુટી કમિશનર એ.બી. મંડોરીએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોર્પોરેશન હવે પાલતુ પશુઓ અને શ્ર્વાન માટે એક નવી અને સઘન પોલિસી અમલમાં લાવવા જઈ રહૃાું છે.
ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું હતું કે જે નાગરિકો શોખ ખાતર કે સુરક્ષા માટે ઘરે પાલતુશ્વાન રાખે છે, તેમના માટે હવે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે.
નવી પોલિસી મુજબ:
શ્ર્વાન માલિકોએ કોર્પોરેશનમાં પોતાના કૂતરાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.,તમે કઈ નસલનું કૂતરું રાખ્યું છે, તેની વિગતો જાહેર કરવી પડશે.,શ્ર્વાનનું સમયસર રસીકરણ કરાવ્યું છે કે નહીં, તેના પુરાવા રજૂ કરવા પડશે.,કોર્પોરેશનના વેટરનરી ઓફિસરો સમયાંતરે આ રજીસ્ટર્ડ શ્ર્વાનની વિઝિટ કરશે અને સ્વાસ્થ્ય તેમજ રસીકરણની ચકાસણી કરશે., પશુપાલકો માટે કડક સૂચના અને ’વાડા’ પોલિસી,શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની રહી છે ત્યારે, પશુપાલકો માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. મંડોરીએ સ્પષ્ટ કર્યું હતું કે શહેરમાં પશુઓ રાખવા માટે જગ્યા અને સુવિધા હોવી અનિવાર્ય છે.
જગ્યાની ચકાસણી: જે લોકો પશુઓ રાખે છે, તેમની પાસે સરકાર માન્ય અથવા મંજૂર થયેલા વાડા છે કે કેમ તેની તપાસ થશે,ક્ષમતા: વાડાની કેપેસિટી કેટલી છે અને તેની સામે કેટલા પશુઓ રાખવામાં આવ્યા છે, તેનું સર્વેક્ષણ કરવામાં આવશે. ,સેનિટેશન: સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે કે પશુઓ વાડામાં જ રહે છે કે તેમને ખુલ્લા મુકવામાં આવે છે.
આ પોલિસી માત્ર કાગળ પર નહીં રહે પરંતુ તેનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. આ પોલિસી “સર્વે બેઝડ” રહેશે. અધિકારીઓ ડોક્યુમેન્ટ્સ અને સ્થળ બંને તપાસશે. સૌથી મહત્વની વાત કરતા ડેપ્યુટી કમિશનરે ચીમકી આપી હતી કે, “જે પશુપાલકો આ નિયમો અને શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, એટલે કે જેમની પાસે પૂરતી જગ્યા નથી અથવા જેમના પશુઓ રસ્તા પર રખડતા જોવા મળશે, તેમને શહેરમાં પશુ રાખવાની મંજૂરી મળશે નહીં. આવા પશુપાલકોએ પોતાના પશુઓને શહેરની બહાર આસપાસના ગામડાઓમાં ખેતીની જમીન રાખીને ત્યાં શિટ કરવાના રહેશે.”
આમ, મહેસાણાને રખડતા ઢોર મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે કોર્પોરેશન હવે લાલ આંખ કરી રહૃાું છે. નવી પોલિસીના અમલ સાથે શહેરીજનોને ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યામાંથી મોટી રાહત મળવાની આશા છે.