લુણાવાડાની શ્રી પી.એન. પંડ્યા કોલેજ ખાતે “વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ કાર્યક્રમ સંપન્ન

કટોકટીના ૫૦ વર્ષ: ભારતીય લોકતંત્ર માટે સબક વિષય પર યુવાઓએ રજૂ કર્યા પોતાના વિચારો.

ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા માય ભારત અંતર્ગત લુણાવાડાની શ્રી પી. એન. પંડ્યા આર્ટસ, એમ.પી.પંડ્યા સાયન્સ અને શ્રીમતિ ડી.પી. પંડ્યા કોમર્સ કોલેજ ખાતે વિકસિત ભારત યુથ પાર્લામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય વિષય કટોકટીના ૫૦ વર્ષ: ભારતીય લોકતંત્ર માટે સબક રાખવામાં આવ્યો હતો. જેમાં મહીસાગર જીલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ લોકશાહીના મૂલ્યો અને ઐતિહાસિક પાઠો પર પ્રભાવશાળી વક્તવ્યો રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અગ્રણી દશરથભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલેજ સંચાલક મંડળના પ્રમુખ અનિલભાઈ પંડ્યા, કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પંડ્યા, આર્ટસ વિભાગના ઇન્ચાર્જ પ્રો. જે. પી. ચૌધરી સહિત કોલેજનો સમગ્ર સ્ટાફ અને ગજજના સ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિવિધ કોલેજોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. નિર્ણાયકો દ્વારા ૨૩ સ્પર્ધકોના વક્તવ્યના આધારે ઉત્કૃષ્ઠ દેખાવવાળા વિદ્યાર્થીઓની પસંદગી કરી તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગજજ પ્રોગ્રામ ઓફિસર ડો. મહિપાલસિંહ ચંપાવત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ આદરપૂર્વક રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા યુવા પેઢીમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રબળ બને તેવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.