કચ્છમાં ઉનાળાના આકરા તાપ બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પ્રિ-મોનસૂન એકટીવિટીના ભાગરૂપે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લાગણી જાવા મળી રહી છે. આ વરસાદ આગામી ચોમાસાના આગમનનો સંકેત આપી રહ્યો છે.
કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હતા. હવે પ્રિ-મોનસૂન એકટીવિટી સક્રિય થતા વાતાવરણમાં ઠંડક આવી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ બદલાતા હવામાનથી ગરમીમાં રાહત અનુભવાઈ રહી છે.
જિલ્લાના મુન્દ્રા તાલુકાના રતડિયા ગામે અચાનક વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ જ રીતે નખત્રાણા તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ખેતીલાયક અને હળવા વરસાદથી ખેડૂતોમાં પણ હરખ જોવા મળ્યો હતો.
સ્થાનિક લોકો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે વાતાવરણમાં આવેલા આ પલટાથી ઉકળાટમાં ઘટાડો થયો છે. આકાશમાં છવાયેલા વાદળો આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા દર્શાવે છે. ખેડૂતો હવે આગામી વાવણી માટે તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં વધુ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.