મહિસાગરના ખાનપુર(બાકોર)કચેરી હસ્તકના ગાંગટા ગામમાં કરોડો રૂપિયાની સરકારી જમીન હડપ કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ વહીવટી તંત્ર અને માજી ધારાસભ્ય જીગ્નેશ સેવક તથા તેમના પરિવારની મિલીભગતથી આ કોૈભાંડ આચરવામાં આવ્યુ હોવાનો ગંભીર આક્ષેપો કર્યા છે.
યુજરાજસિંહે આક્ષેપમાં જણાવ્યુ કે, કોૈભાંડની શઆત ૧૬ ડિસેમ્બર-૨૦૨૧ ના રોજ થઈ હતી. ખાનગી જમીન સાથે સરકારી જમીન ભેળવી રાતોરાત નવો સર્વે નં.-૪૦/૧ ઉભો કરાયો હતો. દફતરે ઝાડી-ઝાંખરા સરકારી પડતર તરીકે નોંધાયેલ ૫ હેકટર ૭૭ ગુંઠા જમીનમાંથી હાલ માત્ર ૪૯ ગુંઠા જ ખુલ્લી છે. જયારે ૨૫ વિઘાથી વધુ જમીન પર મસમોટો કોટ ચણી દેવામાં આવ્યો છે. યુવરાજસિંહના આક્ષેપ મુજબ ડીઆઈએલઆર રિપોર્ટ અનુસાર જ્ઞાન શક્તિ વિદ્યાલય દ્વારા ૪ હેકટર ૯૬ ગુંઠા જમીન પર અનઅધિકૃત બાંધકામ સાબિત થયુ છે. અધિકારીઓ માપણી કરવા ગયા ત્યારે પુર્વ ધારાસભ્યએ તેમને રોકયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત શાળા નજીક કાયમી ધોરણે ધમધમતા દાખાનાના ગોડાઉનમાં મંજુરી વિરુદ્ધ ૧૦ ટન જેટલો વિસ્ફોટક જથ્થો હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બન્યુ છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ ની વાતો કરતુ તંત્ર વગદારો સામે કેમ મોૈન છે…?તેવા સવાલો ઉઠાવતા યુવરાજસિંહે મહેસુલ કાયદા હેઠળ કડક કાર્યવાહી નહિ થાય તો હાઈકોર્ટ અને લોકાયુકતના દરવાજા ખટખટાવવાની ચિમકી આપી છે.