જેસાવાડા પંથકના ગણપતિ વિસર્જન ટાંણે તરતા ન આવડતુ હોવા છતાં ભીડ વચ્ચે વિસર્જન ટાંણે પાણીમાં ઉતરેલા ૨૪ વર્ષિય યુવાનનુ ડુબી જવાથી મોત નીપજયું હતુ. સોમવારની સાંજે બનેલ આ ધટના બાદ યુવકનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડા વિસ્તારના ૨૪ વર્ષિય હેમંતભાઈ મુકેશભાઈ ડામોર બાવકા શિવ મંદિર પાસે આવેલા તળાવમાં ગણેશ પ્રતિમા વિસર્જન માટે પહોંચ્યા હતા. આ સમયે તળાવ કિનારે અને પાણીમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. હેમંતભાઈને તરતા આવડતુ નહિ હોવા છતાં આસ્થાના રંગમાં તરબોળ થઈને તે પ્રતિમાં સાથે પાણીમાં ઉતર્યા હતા. પાણીમાં જતાં પહેલા તેમણે પોતાનો મોબાઈલ ફોન સાચવવા માટે મિત્રને આપી દીધો હતો. લાંબો સમય થયો છતાં હેમંતભાઈ મિત્ર પાસે મોબાઈલ પરત લેવા નહિ ફરતા હાજર લોકોની ચિંતા વધી હતી. સોમવારે સાંજે શોધખોળ નિષ્ફળ જતા તંત્ર અને ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. સતત બીજા દિવસે ફાયર જવાનો અને સ્થાનિક તરવૈયાઓની શોધખોળ બાદ તળાવના પાણીમાંથી હેમંતભાઈનો મૃતદેહ બહાર આવ્યો હતો.