ગોધરાના રસુલપુર ગામે વાનરે વૃદ્ધ પર હુમલો કરી બચકાં ભર્યા

ગોધરાના રસુલપુર ગામે વાનરે વૃદ્ધ પર હુમલો કરીને બચકાં ભરીને ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે સ્થાનિકોએ વાનરને પાંજરે પુરવાની માંગ કરી હતી.

ગોધરા તાલુકાના ટીંબા ગામને અડીને આવેલા રસુલપુર ગામે હિંસક બનેલા વાનરે ૭૦ વર્ષિય વૃદ્ધ પર હુમલો કરતા ચકચાર મચી હતી. રસુલપુર ગામે પોતાના ધરના વાડામાં ન્હાવા બેઠેલા ૭૦ વર્ષિય ઉદેસિંહ રાઠોડ પર અચાનક વાનરે હુમલો કયોૃ હતો. વાનરે વૃદ્ધના હાથ, પગ તેમજ ગુપ્તાંગના ભાગે બચકાં ભરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ધટના બાદ વૃદ્ધની બુમાબુમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાનરના હુમલાની ધટનાને પગલે ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વહેલી તકે આ વાનરને પાંજરે પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે.