ખુશીના પ્રસંગે કરાતી બેદરકારી કેટલી ભારે પડે છે તેનુ જીવંત ઉદાહરણ દાહોદ સેશન્સ કોર્ટના એક ચુકાદામાં જોવા મળ્યુ છે. વર્ષ-૨૦૧૭માં અભલોડના લગ્નના વરઘોડામાં લાયસન્સવાળી બંદુકથી ફાયરીંગની ધટનામાં કોર્ટે ફાયરીંગ કરનાર યુવકને દોષિત ઠેરવી સજા સંભળાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.૨૨ જુન-૨૦૧૭ ના રોજ અભલોડ ગામના ગારી ફળિયા પાસે હાઈસ્કુલ નજીક લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. ડીજેના તાલે લોકો ઝુમી રહ્યા હતા ત્યારે બચુભાઈ પલાસ હાથમાં લાયસન્સવાળી બંદુક લઈ આવ્યો હતો. તેણે પહેલા હવામાં ફાયરીંગ કર્યુ અને ઉત્સાહમાં બીજીવાર ફાયરીંગ કરવા જતાં બંદુકની નાળ નીચે તરફ નમી ગઈ હતી. નીચે નમેલી નળમાંથી છુટેલી ગોળી સીધી નરેશભાઈ મેડાને વાગી હતી. ગોળી બંને પગની સાથળ તથા હાથના કાંડામાં વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થિતિ ગંભીર જણાતા ૧૦૮ મારફતે તેમને સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે લીંબુબેન બામણીયાની ફરિયાદના આધારે ગરબાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ટ્રાયલ દરમિયાન એફએસએલ રિપોર્ટ, મેડિકલ સર્ટિ.તેમજ કુલ ૧૮ સાહેદોની જુબાની મહત્વપુર્ણ સાબિત થઈ હતી. સરકારી વકીલ જે.કે.ચોૈહાણની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી બેદરકારી સાબિત થતાં કોર્ટે ચુકાદો આપ્યો છે.