કેદી બન્યાં કોર્પોરેટર, જેલમાં બેઠા બેઠા આરોપીઓ જામનગર મનપાની ચુંટણી જીત્યા

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનેક રસાકસીભર્યા જંગ જાવા મળ્યા છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૨નું પરિણામ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ વોર્ડમાં મતદારોએ અનોખો જનાદેશ આપતા, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા બે મુખ્ય આરોપીઓને વિજયી બનાવ્યા છે. નોંધનીય છે કે, આપના ઉમેદવાર અસલમ ખીલજી વોર્ડ નં ૧૨માં જીત મેળવી છે જ્યારે આ જ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી વિજેતા થયા છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૨ની ચાર બેઠકો પર રસાકસીભર્યા જંગ બાદ જે પરિણામો આવ્યા છે, તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ફાળે બે-બે બેઠકો ગઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે વિજયી ઉમેદવારોમાં ‘ગુજસીટોક’ હેઠળ જેલમાં બંધ છે.આ બંને નેતાઓ માત્ર રાજકીય વ્યક્તિઓ જ નથી, પરંતુ પોલીસ ચોપડે તેમની છબી એક ખૂંખાર ગેંગ લીડર તરીકેની છે. તેમની સામે હત્યા, દુષ્કર્મ, લૂંટ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓની લાંબી યાદી છે.

પોલીસ રેકોર્ડ મુજબ, અસ્લમ ખીલજીની ગેંગ સામે અત્યાર સુધીમાં કુલ ૪૬ ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના ૧૮ સભ્યો સામે ગુજસીટોકનો ગાળિયો કસવામાં આવ્યો છે, જેમાંથી ૧૩ જેટલા આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે.પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીની ગેંગનો આતંક પણ ઓછો નથી. આ ગેંગ સામે કુલ ૫૨ જેટલા ગુનાઓ દાખલ છે. જેમાં હત્યા, આર્મ્સ એક્ટ, ધાડ, એટ્રોસિટી અને નાર્કોટિક્સ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આ ગેંગના ૧૧ સભ્યો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાંથી ૮ જેલમાં છે અને ૨ હજુ પણ ફરાર છે.

જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧૨માં ભાજપનો કરુણ રકાસ થયો છે અને મતદારોએ ‘જેલ’માં રહેલા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ પરિણામોએ જામનગરના રાજકારણમાં ગુનાખોરી અને સત્તા વચ્ચેના પાતળા અંતરને ફરી એકવાર સપાટી પર લાવી દીધું છે.