કાલોલની પરિણીતાએ કેનાલમાં ઝંપલાવી આપધાત કર્યાના કેસમાં પિયરીયાઓ દ્વારા જમાઈ સામે ફરિયાદ નોંધાવી

કાલોલમાં પ્રેમલગ્ન કર્યા પછી પૈસાની માંગણી કરી મારઝુડ કરતા જમાઈના ત્રાસથી પુત્રીએ નર્મદા કેનાલમાં ઝંપ લાવીને આપધાત કર્યો હોવાનો પિયરીયાઓએ આક્ષેપ કરી કાલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કાલોલ પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લાના નાંદ ગામના રહેવાસી ઈન્દ્રસિંહ અમરસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પુત્ર ઉર્વશીએ વર્ષ-2019માં તેમના જ ગામના પ્રદિપસિંહ નરેન્દ્રસિંહ રાજ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ બંને કાલોલ ખાતે વૃંદાવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. જયારે જમાઈ પ્રદિપસિંહ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બંનેને ત્રણ વર્ષની પુત્રી પણ છે. જે બાદ ઉર્વશી જયારે પિયર આવતી ત્યારે પતિ પ્રદિપ વારંવાર પિતાના ધરેથી રૂપિયા લઈ આવવા જણાવી મારઝુડ કરતો હોવાનુ જણાવતી હતી. એ સમયે પુત્રીનો ધરસંસાર સાચવવા તેને સમજાવીને જમાઈ પાસે મુકી આવતા હતા. જે પછી ઉર્વશી અવાર નવાર ફોન કરી પ્રદિપ ધણો માર મારતો હોવાનુ અને ત્રાસ સહન ન થતો હોવાનુ કહી મરી જવા જણાવતી હતી. દરમિયાન ગત તા.20 નવેમ્બરે તેના મકાન માલિકે ફોન કરીને ઉર્વશી તા.19 નવેમ્બરે સાંજે દિકરીને મુકીને કયાંક જતી રહી હોવાનુ કહ્યુ હતુ. તે બાદ રાત્રે જમાઈ પ્રદિપે તે દિવસે ફોન કરી ઉર્વશી કયાંક જતી રહી હોવાનુ અને નર્મદા નહેર વિસ્તારમાં શોધખોળ કરતા હોવાનુ જણાવ્યુ હતુ. જે બાદ તેઓ પોતે પણ કાલોલ પહોંચી પોલીસ મથકમાં દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ આપી હતી. જે બાદ તા.22નવેમ્બરે પ્રદિપે અન્ય સંબંધિ મારફતે જણાવેલ કે, લસુન્દ્રા કેનાલ પાસે એક લાશ મળેલ છે. જેથી તેઓ તેમના પુત્ર સાથે લસુન્દ્રા કેનાલ પર જઈ જોતા ત્યાં ઉર્વશીની લાશ મળી હતી. જેની ઓળખ પણ કરી હતી. જેના દસ દિવસ બાદ તેમણે કાલોલ પોલીસ મથકે તેમના જમાઈએ પુત્રીને મારઝુડ કરી ત્રાસ ગુજારી આપધાત કરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રદિપસિંહ નરેન્દ્રસિંહ રાજ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.