
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં આવેલ બોરૂ રોડ પર ગુપ્ત બાતમીના આધારે મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ‘શક્તિ એન્ટરપ્રાઇઝ’ નામના વેપારી મથકેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અને શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાઈ આવ્યો છે.
બોલેરો ગાડી અને દુકાનમાંથી જથ્થો ઝડપાયો
તપાસ દરમિયાન દુકાન આગળ ઉભેલી પિકઅપ બોલેરો ગાડી (નંબર: GJ-17-XX-2191) માંથી ૧૧ કટ્ટા ચોખા અને ૩ કટ્ટા ઘઉં (અંદાજીત ૫૦ કિ.ગ્રા. વાઇઝ) મળી આવ્યા હતા. ગાડીના માલિક અને દુકાનદાર શાહ નરેશભાઈ ભીમજીભાઈ પાસે ખરીદ-વેચાણ તથા બિલ અંગે પૃછપરછ કરતા તેઓ કોઈ પણ પ્રકારના બિલ રજૂ કરી શક્યા ન હતા. ત્યારબાદ દુકાનની પાછળના ભાગે આવેલી ઘંટી અને દુકાનની તપાસ કરતા વધુ અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
કુલ સીઝ કરાયેલ અનાજનો વિગતવાર જથ્થો:
ઘઉં: ૩ કટ્ટા (૧૫૦ કિ.ગ્રા.) – કિંમત રૂ.૩,૭૫૦,
ચોખા: ૧૧ કટ્ટા (૫૮૨.૫ કિ.ગ્રા.) – કિંમત રૂ.૧૭,૪૭૫,
ચણા: ૫ કટ્ટા (૩૨૩.૫ કિ.ગ્રા.) – કિંમત રૂ.૧૬,૧૭૫,
મકાઈ: ૩૪ કટ્ટા (૧૭૦૦ કિ.ગ્રા.) – કિંમત રૂા.૪૫,૯૦૦,
મકાઈનો લોટ (સફેદ): ૪ કટ્ટા (૨૧૮.૫ કિ.ગ્રા.) – કિંમત રૂા.૭,૬૪૮,
મકાઈનો લોટ (પીળો): ૪ કટ્ટા (૨૨૫ કિ.ગ્રા.) – કિંમત રૂ.૭,૮૭૫,
કુસકી: ૬૫ કટ્ટા – કિંમત રૂ.૧૯,૫૦૦
અધિકારીઓ દ્વારા કુલ રૂ.૧,૧૮,૩૨૩ ની અંદાજીત કિંમત ધરાવતો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
આ સરકારી/શંકાસ્પદ અનાજના પૃથક્કરણ માટે ચાર અલગ-અલગ નમૂનાઓ (ચોખા, ઘઉં, ચણા અને ચોખા-પાકા) ૫૦૦-૫૦૦ ગ્રામ લેવામાં આવ્યા છે. આ અનાજનો સંગ્રહ ગેરકાયદેસર હોવાથી જીલ્લા કલેક્ટરના અન્ય હુકમ ન થાય ત્યાં સુધી દુકાનને સીલ મારી દેવામાં આવી છે અને સંપૂર્ણ જથ્થો તબદીલી ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
આ મામલે જીલ્લા પુરવઠા અધિકારી, ગોધરાને આગળની તપાસ અને કાર્યવાહી માટે અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે.