કાલોલ બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટના નવા નોટિફિકેશન સામે વિરોધ: બે દિવસ કોર્ટ કામકાજથી અળગા રહેવાનો સર્વાનુમતે નિર્ણય

કાલોલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશન સામે કાલોલ બાર એસોસિએશને સખત વિરોધ નોંધાવ્યો છે. આજે તારીખ ૦૭/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કાલોલ વકીલ મંડળની જનરલ મીટીંગ મળી હતી, જેમાં બારના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ એકસૂરે આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૨૬ થી લાગુ કરાયેલા નવા નિયમ મુજબ: કોર્ટના તમામ કામકાજ, અરજીઓ અને સોગંદનામા અ૪ સાઇઝના કાગળ પર જ કરવા. લખાણ માટે ‘લોહીત’ Lohit ફોન્ટનો ફરજીયાત ઉપયોગ કરવો. કાલોલ બાર એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ પરિપત્ર સમગ્ર ગુજરાતના વકીલો તેમજ અસીલોના હિતમાં નથી અને તેનાથી ઘણી વ્યાવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જેના વિરોધમાં ઠરાવ પસાર કરી તમામ વકીલો દ્વારા ૧. કોર્ટ કામકાજનો બહિષ્કાર: હાઇકોર્ટના નોટિફિકેશનના વિરોધમાં કાલોલ બાર એસોસિએશનના તમામ વકીલો તારીખ ૦૭/૦૮/૨૦૨૬ અને ૦૮/૦૮/૨૦૨૬ ના રોજ કોર્ટના કામકાજથી અળગા રહીને વિરોધ પ્રદર્શિત કરશે. ૨. આગામી રણનીતિ: જો હાઇકોર્ટ દ્વારા આ નોટિફિકેશન સત્વરે પરત લેવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળના વિરોધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે, જેનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

આ ઠરાવની નકલ ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કાલોલને યોગ્ય કાર્યવાહી અર્થે રજૂ કરવામાં આવી છે.