કાંકણપુર પોલીસ મથકના સગીરાનું અપહરણ અને શારીરિક શોષણના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ગોધરા તાલુકાના નદીસર ગામે રહેતા આરોપી એ ફરિયાદીની સગીરવયની છોકરીને ભગાડી લઈ જઈ શારીરિક શોષણ કરવાના કાંકણપુર પોલીસ મથકના ગુનામાં કોર્ટમાં કેશ ચાલી ગયો હતો. જેમાં ચોથા એડીશનલ સેશન્સ જજ દ્વારા આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકમાં નદીસર ગામે રહેતા આરોપી કાર્તીકકુમાર શૈલેષભાઇ માછીએ ફરિયાદીની સગીર વયની છોકરીને પટાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી શારીરિક શોષણ કરવા અંગે કાંકણપુર પોલીસ મથકે ગુનો નોંધાયેલ હતો. પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાવી હતી. આ બાબતે પંચમહાલ જીલ્લા સેશન્સ તથા ચોથા એડીશનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં કેશ ચાલી ગયો હતો. સરકારી વકીલ એમ.કે.દેશમુખ ફરિયાદી ભોગ બનનાર પંચો તથા સાહેદો તપાસ અને અમલદારોની જુબાનીના આધારે વિગતવાર દલીલો કરી હતી. કોર્ટ દ્વારા આરોપી કાર્તીક શૈલેષભાઇ માછીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂા.10,000/-દંડ ફટકારવામાં આવ્યો છે.