
ડિજિટલ એક્સ-રે દ્વારા 86 ગ્રામજનોની ટીબી સ્ક્રીનિંગ, વિવિધ આરોગ્ય તપાસ સાથે જાગૃતિનો સંદેશ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પાંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર, જેઠોલી ખાતે ટીબી મુક્ત ભારત 100 દિવસીય અભિયાન અંતર્ગત નિશ્ચય આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ટીબીનું વહેલું નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ શિબિર મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સી.આર. પટેલીયા, જિલ્લા એપિડેમિક અધિકારી ડૉ. એસ.સી. ઢાકા, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. અલ્પેશ ચૌધરી તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દીપક વાટલીયાના સંકલનમાં પાંડવા પીએચસીના મેડિકલ ઓફિસર ડૉ. રેખા ગોસ્વામી, એમ.પી.એચ.ડબલ્યુ. હિરેનભાઈ પટેલ, સી.એચ.ઓ. નિમિષાબેન, આશા વર્કરબેનો અને ગંગાબેન સહિત આરોગ્ય વિભાગની ટીમે શિબિરની કામગીરી નિષ્ઠાપૂર્વક સંભાળી હતી.શિબિરમાં કુલ 86 ગ્રામજનોનું ડિજિટલ પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાઇટ, વેઇટ, બ્લડ પ્રેશર, રેન્ડમ બ્લડ સુગર (RBS), હિમોગ્લોબિન (HB) તેમજ BMI સહિત બિનચેપી રોગો (NCD)ની પણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

શિબિર દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને ટીબીના લક્ષણો, રોગથી બચવાના ઉપાયો, સમયસર તપાસ કરાવવાના મહત્વ અને સંપૂર્ણ સારવાર અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આવા નિશ્ચય આરોગ્ય શિબિરો ગ્રામ્ય વિસ્તારોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.શિબિરને સફળ બનાવવા પાંડવા પીએચસીના સ્ટાફ, આશા કાર્યકરો તેમજ જેઠોલી ગામના ગ્રામજનોએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. આરોગ્ય વિભાગના આ જનહિતલક્ષી પ્રયાસને ગ્રામજનોએ પણ સારો પ્રતિસાદ આપ્યો હતો.