હાલોલ ખોખર ફળિયામાં રહેતા અજીજ ઐયુબ મેતરના ધરમાં કતલ માટે ગોંધી રાખેલ ગોૈવંશ તા.28/04/2021ના રોજ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલોલ કોર્ટમાં કેસ ચાલીજતાં આરોપીને 10 વર્ષની કેદની સજા અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
હાલોલ ટાઉન પોલીસને તા.28/04/2021ના રોજ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ખોખર ફળિયામાં રહેતા અજીજ ઐયુબ મેતરના કબ્જાના પતરાવાળા ધરમાં કતલ માટે ગોૈવંશ લાવીને ગોંધી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. દરમિયાન બળદ નંગ-6 કિ.રૂ.90,000/-બે વાછરડા કિ.રૂ.10,000/-મળી કુલ રૂ.1,00,000/-ના મુદ્દામાલ ઝડપી પાડીને પોલીસે જપ્તા હેઠળ વરસડા ચોકડી પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા હતા. આ બાબતે હાલોલ ટાઉન પોલીસ મથકે પશુ અત્યાચાર અધિનિયમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ હતી. આ કેસ પંચમહાલ જિલ્લાના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિકટ સેશન્સ જજ બી.ડી.પરમારની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ પુરાવા તેમજ સ્પે.સરકારી વકીલ જે.જે.પાઠકની વિગતવાર દલીલોને ગ્રાહ્ય રાખી અને આરોપી અજીજ ઐયુબ મેતરને 10 વર્ષની કેદની સજા અને 1,00,000/-રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપીને 10 વર્ષની સજા ફટકારતા પશુઓની હેરાફેરી કરતા અને કતલ કરતા આરોપીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.