ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી.
પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા મિશન ક્લસ્ટરના સ્વયમ પ્રેરિત પસંદ કરેલા ખેડૂતો માટે રવિ સિઝનના વાવેતર માટે પ્રાકૃતિક કૃષિની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી (ૠગઋજઞ), હાલોલ ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિગ યોજના અંતર્ગત જાંબુઘોડાના મિશન ક્લસ્ટરમાંથી સ્વયં પ્રેરિત 125 ખેડૂતોએ આ તાલીમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોનું જ્ઞાન આપીને, આગામી વાવેતરમાં તેનો વ્યાપક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, જેથી તેઓના કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને જમીનની ગુણવત્તા જળવાઈ રહે.
આ તાલીમ સત્રમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.રશ્મિકાન્ત ગુર્જર, આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવિન મહેતા અને યુનિવર્સિટીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક બિનલબેન ગજેરા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તમામ વક્તાઓએ પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને તાલીમ હોલમાં સૈદ્ધાંતિક જ્ઞાન આપ્યા ઉપરાંત, જુદાજુદા મોડલ ફાર્મની ફિલ્ડ વિઝિટ કરાવીને આ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન અને વ્યવસ્થાપન જાંબુઘોડા તાલુકાના બીટીએમ પાર્થ પંચાલ, પ્રાકૃતિક કૃષિ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર જીનલ પંચાલ, અને એટીએમ યોગેન્દ્ર સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમના અંતે, ખેડૂતોને “સ્વદેશી અપનાવો” અંતર્ગત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને કરાવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.