ગોધરા તાલુકાના વેલવડ ગામે હત્યાના કેસમાં મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

ગોધરા તાલુકાના વેલવડ ગામે જુની અદાવત અને ઝધડાની વિવાદિત બાબતમાં એક યુવક પર લાકડાના ડંડા વડે જીવલેણ હુમલો કરી તેની નિર્મમ હત્યા કરનારા ચકચારી કેસમાં પંચમહાલની મુખ્ય સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ સી.કે.ચોૈહાણની કોર્ટે મુખ્ય આરોપી કિરીટસિંહ મકવાણાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તેમજ ‚.૬૩,૦૦૦/-નો દંડ અને વધારની સખ્ત કેદની સજા ફટકારી છે.જયારે મદદગારી કરનાર આરોપીઓ વજેસિંહ મકવાણા અને કાંતિભાઈ મકવાણાને ૧/૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

૨૪ મે-૨૦૨૨ના રોજ વેલવડ ગામના કુવાવાળા ફળિયામાં કિરીટ મકવાણા, વજેસિંહ મકવાણા અને કાંતિભાઈ મકવાણાએ દિગ્વિજયસિંહ મકવાણા તથા મયુરકુમાર મકવાણા સાથે ગાળાગાળી કરી હતી. ઝધડા દરમિયાન ઉશ્કેરાઈ જઈ મુખ્ય આરોપી કિરીટસિંહ નજીકમાં સ્લેબ ભરવા માટે વપરાતો સેન્ટિંગના લાકડાનો ડંડો લઈ મયુરકુમારના માથામાં ફટકારી દીધો હતો. તેમજ દિગ્વિજયસિંહ પર જીવલેણ હુમલો કરી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. આ ઉપરાંત વનરાજસિંહ તથા કોકીલાબેનને પણ નીચે પાડી દઈ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ચાર્જશીટ રજુ કરાઈ હતી.આ અંગેનો કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરે સાક્ષીઓ અને પુરાવાઓના આધારે મજબુત દલીલો રજુ કરતા અદાલતે તમામ પુરાવા ગ્રાહ્ય રાખીને કિરીટસિંહ મકવાણાને આજીવન કેદની સજા અને વજેસિંહ મકવાણા તથા કાંતિભાઈ મકવાણાઓને એક-એક વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.