છોટાઉદેપુર જિલ્લામાં વર્ષોથી પ્રાથમિક શાળાઓના કેમ્પસમાં બિનઉપયોગી અને જર્જરિત હાલતમાં પડેલા ૧૦૦ થી વધુ ઓરડાઓને તોડી પાડવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ તાલુકાના પ્રાથમિક શાળાઓના સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો છે. આ બાબતે તંત્ર એકાએક એકશનમાં આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વર્ષોથી જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજુઆતો કરી હતી કે, વર્ષ-૨૦૦૨માં એલ એન્ડ ટી અને સિન્ટેકસ દ્વારા બનાવવામાં આવેલા અનેક ઓરડાઓ હાલમાં જર્જરિત બની ગયા છે. આવા ઓરડાઓ બાળકો માટે જોખમી બન્યા હોવાથી તેને તોડી પાડવા માટે વારંવાર રજુઆતો કરી હતી. જોકે અગાઉ આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ કરાયો હતો. સમગ્ર મામલે વિરોધનો વંટોળ ઉઠ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લાના સાતેય તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં બિનજરી અને જર્જરિત ઓરડાઓનો સર્વે કરીને કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી હવે આવા ઓરડાઓ દુર કરવા માટે શિક્ષકોને સર્વે, મંજુરી સહિતની જંજાળમાંથી મુક્તિ આપવામાં આવી છે. અને શાળાના કેમ્પસમાં જર્જરિત ઓરડાઓ દુર કરવાની કાર્યવાહી કરવા સુચના આપી છે. જર્જરિત અને બિનઉ૫યોગી ઓરડાઓ દુર થતાં શાળાના કેમ્પસમાં બાળકો માટે રમવા માટે વધુ જગ્યા ઉપલબ્ધ થશે. તેની સાથે જ ભવિષ્યમાં નવા વર્ગખંડો અથવા અન્ય શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવા માટે પણ જગ્યા ઉપલબ્ધ બનશે.