ગોધરા નજીક બાઇક અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત : લાડપુર ગામ નજીક અચાનક બાઇક સ્લિપ થઈ જતાં આ અકસ્માત સર્જાયો

ગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક બાઇક અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ઇજા પહોંચી છે. આ ઘટનામાં મોરવા હડફના વાડી માતરિયા ગામના રાજેન્દ્ર પ્રભાતનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ, રાજેન્દ્ર પ્રભાત પોતાના સાથીદાર સાથે બાઇક પર સવાર થઈને ગોધરા તરફ આવી રહ્યા હતા. દરમિયાન લાડપુર ગામ નજીક અચાનક બાઇક સ્લિપ થઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો.

બાઇક સ્લિપ થતાં જ બંને યુવકો રોડ પર પટકાયા હતા. રાજેન્દ્ર પ્રભાતને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બાઇક પર સવાર અન્ય યુવકને પણ ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસે આ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મોતને પગલે વાડી માતરિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે.