
ગુજરાત સરકારના ‘ખેલ મહાકુંભ’ અને ‘સાંસદ ખેલ મહોત્સવ’માં વોલીબોલની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાલાસિનોરના ૪૦ થી વધુ યુવા રમતવીરોનું ’હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ખેલાડીઓએ પોતાના દેખાવથી બાલાસિનોર પંથકનું નામ રોશન કર્યું છે.
આ ગૌરવશાળી કાર્યક્રમમાં વિજેતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. વોલીબોલની રમતમાં પોતાની અદભુત રમત અને ટીમ વર્કના જોરે મેદાન મારનાર સ્થાનિક ખેલાડીઓને મંચ પર આમંત્રિત કરી મેડલ પહેરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ટ્રસ્ટના પદાધિકારીઓ અને રમતગમત પ્રેમીઓએ ખેલાડીઓની કઠિન મહેનત અને સમર્પણને બિરદાવ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ જેવા મોટા મંચ પર બાલાસિનોરના ખેલાડીઓએ જે કૌશલ્ય દાખવ્યું છે તે ગર્વ લેવા જેવી બાબત છે.
તેમણે ઉમેર્યું હતું કે, યોગ્ય પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળતાં ગ્રામીણ અને શહેરી વિસ્તારના યુવાનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ ડંકો વગાડી શકે છે. હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભવિષ્યમાં પણ આવા ઉભરતા ખેલાડીઓની પડખે ઊભું રહેશે.
સન્માન મેળવ્યા બાદ વોલીબોલ ટીમના ખેલાડીઓ અને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. ખેલાડીઓએ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, આ પ્રકારનું સન્માન તેમને ભવિષ્યની સ્પર્ધાઓમાં વધુ સાં પ્રદર્શન કરવા માટે નવી ઊર્જા અને પ્રેરણા આપશે.