
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણીના ભાગપે, ગોધરા નગરપાલિકા દ્વારા સ્થાનિક કલા-કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ સ્વદેશી મેળા ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન ગોધરા શહેરના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
આ મેળાનો શુભારંભ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ તથા ધારાસભ્ય સી.કે. રાઉલજી ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, વિવિધ સમિતિના ચેરમેનઓ તેમજ સ્વસહાય જૂથોની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
સ્થાનિક સ્તરે તૈયાર થતી વસ્તુઓને વૈશ્ર્વિક પ્લેટફોર્મ પૂરૂ પાડવાના હેતુથી આયોજીત આ મેળામાં વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટ વણાટ અને કઢાઈ કામના આકર્ષક આર્ટિકલ્સ, શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ઘરગથ્થુ ખાદ્યપદાર્થો,ગુજરાતની સંસ્કૃતિને છતી કરતા પરંપરાગત પોશાકો, સ્થાનિક ખેડૂતો અને જૂથો દ્વારા તૈયાર કરાયેલ કૃષિ આધારિત ચીજવસ્તુઓ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસહાય જૂથો (SHGs) ની મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતા આ મેળા દ્વારા સ્થાનિક કારીગરોને સીધું બજાર મળી રહેશે, જે શહેરના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે. ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.