ગોધરાના બામરોલી રોડ પર વેપારી પર થાર કાર ચઢાવી હુમલો કરનાર બે આરોપીઓની ધરપકડ

પંચમહાલ ગો ધરાના બામરોલી રોડ પર એક વેપારી પર થાર કાર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના કેસમાં ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના ૩ જૂનના રોજ બની હતી, જેમાં વેપારી અમિતભાઈ મગનાનીને ગંભીર ઈજાઓ થઈ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વેપારી અમિતભાઈ ઈશ્ર્વરભાઈ મગનાની અને તેમના જ સમાજના અજય સુરેશભાઈ નારિયાણી વચ્ચે જમીન વિવાદને લઈને જૂની અદાવત ચાલતી હતી. આ અદાવતને કારણે જ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ગત ૩ જૂનના રોજ સાંજે અમિતભાઈ પોતાનું મોપેડ લઈને બામરોલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કાળા રંગની થાર ગાડીએ તેમને પાછળથી પૂરપાટ ઝડપે ટક્કર મારી નીચે પાડી દીધા હતા. કારમાંથી અજય નારિયાણી અને તુષાર કિશોરભાઈ જાનીયાણી નીચે ઉતર્યા હતા.

આરોપીઓએ અમિતભાઈને છાતી, માથા અને શરીરના અન્ય ભાગો પર લાતો-મુક્કાઓથી ઢોર માર માર્યો હતો. હુમલાખોરોએ તેમને આજે તને અધમૂઓ માર્યો છે, કાલે પૂરો પતાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી. આસપાસના લોકો અને રાહદારીઓ દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

આ બનાવ અંગે ગુનો નોંધાતા ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હુમલાખોર અજય નારિયાણી અને તુષાર જાનીયાણી બંને આરોપીઓની ૨૦ જુલાઈની રાત્રે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ કાયદેસરની તપાસ શ‚ કરી છે.