
ગોધરા રેલ્વે સ્ટેશન પર ૧૦૮ ઈમરજન્સી ટીમે ટ્રેનમાં એક ગર્ભવતી મહિલાની સુરક્ષિત પ્રસુતિ કરાવી છે. ટીમે સમયસર કાર્યવાહી કરીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
૨૬ વર્ષીય પાયલબેન સંદીપભાઈ ઉજ્જૈનથી કોટા-વડોદરા પાર્સલ પેસેન્જર ટ્રેનમાં વડોદરા જઈ રહ્યા હતા. મોડી રાત્રે ટ્રેન ગોધરા નજીક પહોંચી ત્યારે તેમને અચાનક પ્રસુતિ પીડા ઉપડી. આ કારણે તેમની તબિયત બગડી હતી. તરત જ ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી.
ઈમરજન્સી કોલ મળતા જ ૧૦૮ના EMT નિલેશ બારીયા અને પાયલોટ રિતેશભાઈ ભાટીયા તરત ગોધરા રેલ્વે સ્ટેશન પહોંચ્યા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ૧૦૮ની ટીમે ટ્રેનના કોચની અંદર જ જરી તબીબી સાધનોની મદદથી પ્રસુતિ કરાવી.
ટીમની સમયસરની કામગીરીને કારણે મહિલાની સફળ પ્રસુતિ થઈ. પ્રસુતિ પછી માતા અને નવજાત બાળક બંનેની પ્રાથમિક તપાસ કરવામાં આવી. વધુ સારવાર માટે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. હાલ માતા અને બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.