
રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારે પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરની ટ્રાફિક અને રસ્તાની સમસ્યા હલ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે ગોધરાના ભુરાવાવ ચોકડીથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સુધીના માર્ગને ૬-લેનમાં પાંતરિત કરવા તાકીદે ભલામણ કરી છે.
સાંસદ ડો. પરમારે પત્રમાં જણાવ્યું છે કે, ગોધરા શહેરની ભુરાવાવ ચોકડીથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના ગોધરા પોઈન્ટ સુધીનો આશરે ૨ કિલોમીટરનો માર્ગ શહેરનો મુખ્ય અને અત્યંત વ્યસ્ત માર્ગ છે. આ માર્ગ પરથી દૈનિક ધોરણે મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર થાય છે.
તેમણે મુખ્ય સમસ્યાઓ તરફ ધ્યાન દોરતા લખ્યું છે કે, ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ડ્રેનેજ સિસ્ટમના અભાવે માર્ગ ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે આ મુખ્ય રોડ વારંવાર તૂટી જાય છે.
વરસાદી પાણીના ભરાવા અને બિસ્માર રસ્તાને લીધે અહીં વારંવાર કલાકો સુધી ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે. આ ટ્રાફિક જામ અને ખરાબ રસ્તાના પરિણામે રોજિંદા વાહનચાલકો, સ્થાનિક નાગરિકો તેમજ વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ ઉપરાંત, પાણી ભરાવા અને ખાડાઓના કારણે આ માર્ગ પર અકસ્માતો થવાની સંભાવના પણ ખૂબ વધી જાય છે, જે જનજીવન માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, જનહિત અર્થે સાંસદ ડો. જશવંતસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રીને આ રજૂઆત કરવામાં આવી છે.