
ગુજરાતના સહકારી ક્ષેત્રને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખાંભા ગામેથી સામે આવી છે. અહીં ખેડૂતો અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે એક આખી ‘બોગસ સહકારી મંડળી‘ ઊભી કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના બહાર આવતા જ સમગ્ર પંથકના ખેડૂતોમાં વહીવટી તંત્ર અને કૌભાંડીઓ સામે ભારે રોષ વ્યાપી ગયો છે.
કૌભાંડીઓએ સ્થાનિક ખેડૂતો જાણ બહાર તેમની નકલી અને ખોટી સહીઓ કરીને કાગળ પર મંડળી તૈયાર કરી લીધી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જે વ્યક્તિઓ વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા છે, તેમના નામો પણ આ બોગસ મંડળીના સભાસદોની યાદીમાં સામેલ કરી દેવાયા હતા! ગામના આશરે ૧૦૦ જેટલા ખેડૂતોને ખબર પણ નહોતી કે તેઓ કોઈ મંડળીના સભાસદ છે. તેમની જાણ બહાર જ તેમના નામે દસ્તાવેજા બનાવી દેવાયા હતા. અને કૌંભાડ આચરવામાં આવ્યું હતું.
આ આખા મંડળી કૌભાંડના કેન્દ્રમાં ભાજપના કાર્યકર અને પૂર્વ તાલુકા પ્રમુખ રહી ચુકેલા નીતિન કપૂરીયાનું નામ સામે આવ્યું છે. સ્થાનિક ખેડૂતો દ્વારા તેમના પર સીધા અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આરોપ છે કે, નીતિન કપૂરીયાએ સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને આ આખું ગેરકાયદેસર નેટવર્ક ઊભું કર્યું હતું અને ખેડૂતોના હકના નાણાં સેરવી લીધા હતા.
આ બોગસ મંડળી માત્ર કાગળ પર જ નહી, પરંતુ તેના નામે સરકારની ‘ટેકાના ભાવે ખરીદી’ ની યોજનાઓનો પણ ગેરલાભ લેવામાં આવ્યો છે. આ નકલી મંડળીએ સરકાર સમક્ષ ખેડૂતોના નામે ટેકાના ભાવે ખરીદીઓ દર્શાવીને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. વર્ષ ૨૦૨૩થી ચાલી રહેલા આ કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો છે.
આ બોગસ સહકારી મંડળી કૌંભાડમાં એવા વ્યક્તિઓના નામ અને સહી સામેલ કરવામાં આવ્યા હતા કે જે વર્ષ ૨૦૧૭ માં મૃત્યુ પામ્યા હતા. ત્યારે ખેડૂતોએ હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને કૌભાંડીઓ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.જા ન્યાયિક કાર્યવાહી નહી કરવામાં આવે આવે તો ઉપવાસ, આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.